દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય સ્થિતિમાં છે. હિમાચલ પ્રદેશથી લઈને કર્ણાટક સુધી વરસાદ આફત બની રહ્યો છે. એક તરફ કેટલાક રાજ્યોમાં વરસાદે કાળઝાળ ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે. IMD એ આજે એટલે કે 1 ઓગસ્ટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જે અત્યંત ભારે વરસાદ અને સંભવિત પૂરનું જોખમ વધારે છે.
આ 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચોમાસુ આગામી ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ લાવશે, જેના કારણે દિલ્હી NCRમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય મધ્ય ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ જોરશોરથી ચાલવાની ધારણા છે. મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર માટે 1 થી 3 ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટક માટે 1 ઓગસ્ટ, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 3 ઓગસ્ટે 2 અને 3 ઓગસ્ટના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ ઉપરાંત, અઠવાડિયાના મોટાભાગના દિવસો સુધી ભારતના પશ્ચિમ કિનારે ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે, જે દરિયાકાંઠાના અને અંતરિયાળ વિસ્તારોને અસર કરશે. આ સતત વરસાદને કારણે પાણી ભરાવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.
તે જ સમયે, સમગ્ર ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ ચાલુ રહેવાની અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોના રહેવાસીઓને હવામાનની આગાહી સાથે અપડેટ રહેવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હીમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, નોઈડા ગાઝિયાબાદમાં આજે હળવા વરસાદની સંભાવના છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 2 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ત્યાર બાદ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 24 થી 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.