હરિયાણાના રોહતકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પત્ની પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિએ તેની પત્નીની હત્યા કરી કારણ કે તેણીએ તેના મોબાઇલનું હોટસ્પોટ ચાલુ ન કર્યું. પતિ પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરવા માંગતો હતો, પરંતુ પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતી.
આ ઘટના મદીના ગામમાં બની, પોલીસે જણાવ્યું કે આરોપી ગુનો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પરંતુ ઘટનાના થોડા કલાકો બાદ જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.
પતિએ તિક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી
એસઆઈ જય ભગવાને જણાવ્યું કે 30 જુલાઈના રોજ તેમને માહિતી મળી હતી કે ઘરેલુ વિવાદના કારણે એક યુવકે તેની પત્નીની હત્યા કરી દીધી છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે અજય કુમાર તેની પત્ની સાથે ઘરે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. અચાનક તેના મોબાઈલનો ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ ગયો. આના પર તેણે તેની પત્ની રેખાને મોબાઈલ ઈન્ટરનેટ હોટસ્પોટ ચાલુ કરવા કહ્યું.
પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો
પત્ની રેખા પશુઓના છાણ ઉપાડવામાં વ્યસ્ત હતી જેના કારણે તે પોતાનો ફોન હોટસ્પોટ ચાલુ કરી શકી ન હતી. જેનાથી ગુસ્સે થઈને અજયે તિક્ષ્ણ હથિયાર વડે પત્ની રેખાની હત્યા કરી દીધી હતી અને ભાગી ગયો હતો. મૃતક રેખાના સંબંધીઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે. બુધવારે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.