અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. વટવામાં રહેતા બ્રેઈન ડેડ દર્દી ઈન્દ્રજીતસિંહ રાજપૂતનું હૃદય અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. દાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું. આ સાથે જ કિડની મેડિસિટીની હોસ્પિટલમાં બંને દર્દીઓની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ત્રણ લોકોને નવું જીવન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે 164મું અંગદાન થયું. વટવા ખાતે રહેતા ઈન્દ્રજીત સિંહ રાજપૂતનો 31 ઓગસ્ટના રોજ નારોલમાં અકસ્માત થયો હતો જેમાં તેમને કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ પછી ઈન્દ્રજીત સિંહ રાજપૂતને સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી 1 સપ્ટેમ્બરના રોજ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
4 સપ્ટેમ્બરે બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો
સારવાર દરમિયાન ઈન્દ્રજીતસિંહ રાજપૂતને 4 સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ઈન્દ્રજીત સિંહ રાજપૂતને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારના સભ્યો તેમના અંગોનું દાન કરવા પ્રેરાયા હતા. બ્રેઈન ડેડ ઈન્દ્રજીત સિંહ રાજપૂતના પત્ની, ભાઈ, ભાભી અને સાળા સહિત પરિવારના સભ્યોની પરવાનગી બાદ હૃદય અને બંને કિડનીનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
'અત્યાર સુધીમાં 514 લોકોને નવું જીવન મળ્યું છે'
164માં અંગદાન વિશે માહિતી આપતાં અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, 'કોઈ પણ જીવિત વ્યક્તિ હૃદય અને ફેફસાંનું દાન કરી શકે નહીં. આવા સંજોગોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ધરાવતા દર્દીઓને બ્રેઈન ડેડ વ્યક્તિ દ્વારા હૃદય મળવું જરૂરી છે.
તેમણે કહ્યું, 'આ 50મી વખત છે જ્યારે અમને અંગ દાન તરીકે હૃદય મળ્યું છે. અત્યાર સુધીમાં 164 અંગ દાન થકી 530 અંગ દાન તરીકે પ્રાપ્ત થયા છે. જેના દ્વારા અત્યાર સુધીમાં 514 લોકોને નવું જીવન આપવામાં સફળતા મળી છે.